વ્હાલી દીકરી યોજના 2021 | Vhali Dikri Yojna 2021

વ્હાલી દીકરી યોજના 2021

ગુજરાતના મહિલા અને બાળ વિકાસ વિભાગ એટલે કે વુમેન એન્ડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓ અને બાળકો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે.

જેમાં ખાસ કરીને મહિલાઓના કલ્યાણ અને મહિલા સશક્તિકરણ જેવા પ્રોગ્રામ ચાલે છે જેમાં મુખ્યત્વે મહિલાઓની સુરક્ષા અને સહાયતા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર જેવી યોજનાઓ ચલાવવામાં આવે છે.

આ ઉપરાંત સમાજમાં સ્ત્રીઓ સન્માન પૂર્વક જીવન જીવે તે માટે વિધવા સહાય યોજના તથા વિધવા પુનર્લગ્ન યોજના પણ ચલાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્ત્રીઓને સ્વરોજગારી અને નવો વ્યવસાય ચાલુ કરવો હોય તો તેના માટે મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા સ્વાવલંબન યોજનાઓ, મહિલા જાગૃતિ મેળાઓ અને લોકમેળાઓનું આયોજન પણ કરવામાં આવે છે.

વ્હાલી દીકરી યોજનાનો ઉદેશ્ય

મિત્રો આપણે આજના આર્ટિકલમાં મુખ્યત્વે દીકરી માટેની યોજના જેનું નામ છે વ્હાલી દીકરી યોજના તેની આપણે ચર્ચા કરીશું. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દિકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓનો જન્મ પ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાંથી ડ્રોપઆઉટ રેશિયો ઘટે અને સમાજમાં દીકરીઓનો સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તે છે.

મિત્રો વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન મળે, સ્ત્રીભૃણ હત્યા અટકે અને ખાસ કરીને લગ્ન સમયે દીકરીના કરિયાવર સુધીની ચિંતા સરકાર કરી રહી છે જેને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના અમલમાં મુકવામાં આવી છે.

વ્હાલી દીકરી યોજનાના મળવાપાત્ર  લાભો 

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં એક લાખ ને દસ હજાર રૂપિયા (1,10,000) ચૂકવવામાં આવે છે.

પહેલો હપ્તો : આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને પહેલો હપ્તો જ્યારે તે પ્રથમ ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે 4000 રૂપિયાનો મળે છે.

બીજો હપ્તો : આ યોજના અંતર્ગત જ્યારે દીકરી નવમા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે ૬,૦૦૦ રૂપિયા મળવાપાત્ર થશે.

ત્રીજો હપ્તો : આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને અઢાર વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય પેટે કુલ એક લાખ રૂપિયા (100,000) મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલા ન હોવા જોઈએ.

નોંધ : આ યોજના અંતર્ગત જો લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલા આ મૃત્યુ પામે તો બાકીની સહાય મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દિકરી યોજનાની યોગ્યતા

ગુજરાતની વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને કોને મળશે અને શું યોગ્યતા હોવી જોઈએ તે નક્કી કરેલી છે:

 1. જે દીકરીનો જન્મ તારીખ 2/8/2019 ના રોજ અને ત્યારબાદ થયો હોય તેવી દીકરીઓને લાભ મળવાપાત્ર છે.
 2. પ્રથમ ત્રણ સંતાનોની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
 3. અપવાદરૂપ કિસ્સામાં બીજી કે ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થયો હોય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને વ્હાલી દિકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
 4. મિત્રો વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે દંપતીની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ગ્રામીણ અને શહેરી વિસ્તાર બંને માટે વાર્ષિક આવક મર્યાદા એક સમાન બે લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જોઈએ.
 5. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈઓ મુજબ જે દંપતીએ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો

 1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
 2. દીકરીનો આધારકાડ નંબર
 3. માતા-પિતાના આધારકાર્ડ
 4. માતા-પિતાનુ જન્મનું પ્રમાણપત્ર
 5. આવકનો દાખલો
 6. દંપતીના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
 7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્ન નું સર્ટીફીકેટ
 8. અરજદારના રેશનકાર્ડની નકલ
 9. વાલી દિકરી યોજના નું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતીનું સોગંદનામું

વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ ક્યાંથી મેળવવું

ગામડાઓમાં સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દિકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે ડિજિટલ ગુજરાત પોર્ટલની કામગીરી કરતા VCE ઓપરેટર પાસેથી પણ વિનામૂલ્યે ફોર્મ મળશે.

તાલુકાકક્ષાએ જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રી ની કચેરી ખાતેથી વાલી દિકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

જીલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી ખાતેથી વાલી દિકરી યોજના નું ફોર્મ વિનામૂલ્યે મળશે.

મિત્રો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓને લાભ મેળવવા સરળતા રહે તે માટે નિયત નમુનાની અંદર એક અરજી પત્રક જાહેર કરેલ છે. આ અરજી પત્રક સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે wcd gujarat પરથી તમે વિનામૂલ્યે મેળવી શકો છો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલ તમામ આર્ટીકલ રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ તમામ આર્ટિકલની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે અઠેગઠે (athegathe) વેબસાઈટ કે પેજની રહેશે નહીં.