મેઘરાજાએ ગુજરાતમાં બોલાવી ધબધબાટી, આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

દેશમાં સૌપ્રથમ ચોમાસાની શરૂઆત કેરળથી થાય છે હાલ કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. કેરળના દરિયાકાંઠે અને તેની આસપાસના વિસ્તારોમાં સમુદ્ર ઉપર વાદળો બંધાવવાનું શરૂ થઈ ગયું છે જે બાદ દેશ અને રાજ્યમાં ચોમાસાની સીઝન બેસશે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ જોવા મળશે:

મિત્રો હાલમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આગામી 48 કલાક વરસાદી માહોલ રહેવાની આગાહી છે. આ ઉપરાંત ગાંધીનગર, મહીસાગર, સુરત, અમદાવાદ, તાપી, પંચમહાલમાં પણ વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ગઈકાલે અમદાવાદ સહિત અનેક વિસ્તારો જેવા કે રાણીપ, વસ્ત્રાપુર, સુભાષ બ્રિજ, એસ.જી.હાઈવે અને ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં પવન અને વીજળી સાથે અંદાજે એક કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડયો હોવાથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. ચોમાસાની સિઝન શરૂ થતા ખેડૂતો ચોમાસુ પાક નું આયોજન કરતા હોય છે ત્યારે વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.