આજથી બેસે છે સ્વાતિ નક્ષત્ર : વરસાદ અને વાવાઝોડાની આગાહી
મિત્રો આપણે જાણીએ છીએ કે છેલ્લા બે નક્ષત્ર હાથીયા નક્ષત્ર અને ચિત્રા નક્ષત્રમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો અને ગુજરાતના બધા જ જળાશયો, ચેકડેમો, નદીનાળા વગેરે છલોછલ ભરાઈ ચૂક્યા હતા.
આજના આર્ટીકલ્સમાં આપણે જાણીશું વરસાદના છેલ્લા નક્ષત્ર વિષે જેનું નામ છે સ્વાતિ નક્ષત્ર.
સ્વાતિ નક્ષત્રને વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે ઘણા લોકો સ્વાતિને સુવાત તરીકે પણ ઓળખે છે.
રાજ્યમાં સ્વાતિ નક્ષત્રનો પ્રારંભ 23 ઓક્ટોબર સવારે 6: 15 મિનિટ વિધિવત રીતે થવાનો છે.
સ્વાતિ નક્ષત્રનું વાહન ગધેડો છે.
ગુજરાત અને સમગ્ર દેશમાંથી ચોમાસુ વિદાય થઈ ચૂક્યું છે ત્યારે સ્વાતિ નક્ષત્ર માં વરસાદની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. સ્વાતિ નક્ષત્રમાં કોઈ મોટા વરસાદની શક્યતા નથી હોતી.આ નક્ષત્રથી ધીરે ધીરે ઠંડીની શરૂઆત થતી હોય છે.
સ્વાતિના જળબિન્દુથી મોતી બને છે એવી એક માન્યતા છે કે આ નક્ષત્રમાં પડતું વરસાદનું ટીપું માછલીના પેટમાં જાય તો તે મોતી બની જાય છે.
સ્વાતિના જળથી સાપમાં વિષ, વાસમાં કપૂર અને છીપમાં મોતી બને છે એવી લોકોક્તિ છે.
આ નક્ષત્રથી વરસાદના નક્ષત્ર બંધ પડે છે, એક ભડલી વાક્ય પ્રમાણે “વરસે સ્વાંત તો ન વાગે તાંત” એટલે કે સ્વાતિ નક્ષત્રમાં જ્યારે સૂર્ય હોય છે ત્યારે આસો માસમાં કપાસ ઉપર ફૂલ લાગેલા હોય છે એ સમયે જો વરસાદ પડે તો કપાસના ફૂલ ખરી જાય એ પછી કપાસ શાનો આવે? પીંજારી તાંત ક્યાંથી બજાવે?
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને આગાહી કરતાં ટેન્શન વધ્યું છે.
તેઓએ જણાવ્યું છે કે પવનવાહક નક્ષત્રોના યોગને લીધે વાવાઝોડાની શક્યતા વધુ છે.
તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર ગુજરાત અને દેશમાં નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં જોવા મળી શકે છે જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે.
સ્વાતિ નક્ષત્રમાં વરસાદની શક્યતા નહિવત્ હોવાથી ખેડૂત મિત્રો વરસાદની ચિંતા કર્યા વગર પોતાના ખેતીના કામકાજ આરામથી કરી શકે છે.
જય જવાન જય કિસાન.
નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.
હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.