જોરદાર માવઠું થશે : ધરતીપુત્રોની વધી ચિંતા, આઠ ઈંચ વરસાદ ખાબકશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી જ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ શરૂ થઈ ગયું હતું. જેને પગલે તમામ કલેકટરને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ખેડૂતો માટે હવામાન વિભાગ દ્વારા પાક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે તો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે.

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 1 ડિસેમ્બરથી 3 ડિસેમ્બર સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાનો માહોલ જોવા મળશે.

1 ડિસેમ્બર સવારથી જ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ગયા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં 2 ડિસેમ્બર સુધી અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી એમ સાત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત અમુક વિસ્તારોમાં આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

પહેલી ડિસેમ્બરે ગુજરાત રાજ્યના ભાવનગર, સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદમાં હળવો વરસાદ પડશે.

જ્યારે સાબરકાંઠા, બનાસકાંઠા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, ડાંગ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ વગેરેમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

બે ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર અને નર્મદામાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે અને આ સિવાય રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

કમોસમી વરસાદને કારણે માછીમારોને અને ખેડૂતોને પણ સૂચના આપી દેવામાં આવી છે.

માછીમારોને આગામી ૩ ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે સાથે ખેડૂતોને નમી જાય તેવા પાકને ટેકો આપવા અને તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સૂચના આપવામાં આવી છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.