કારતકમા શ્રાવણનો માહોલ : ત્રણ દિવસ આ વિસ્તારોમાં ભુક્કા બોલાવશે મેઘરાજા

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ લો પ્રેશર સિસ્ટમને કારણે મુંબઈ સહીત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે.

ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

મુંબઈ, થાણે, નવી મુંબઈ, પાલઘર, મરાઠાવાડ, રત્નાગીરી, સત્તારા, નાસિક જેવા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

હવામાન વિભાગ દ્વારા મુશળધાર વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે અને આગામી ત્રણ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે જેને કારણે કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ કોંકણ, દક્ષિણ મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે તેમજ મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે એલર્ટ આપી દેવામાં આવ્યું છે.

ગુજરાતમાં પણ હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ પણ થઇ રહ્યો છે ત્યારે લક્ષદીપની પાસે આ લો પ્રેશર સર્જાયું છે. વહેલી તકે વેલમાર્ક બની જશે અને તેના કારણે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

દક્ષિણ ભારત અને ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી ત્રણથી ચાર દિવસ ઠંડીની વચ્ચે ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને ઠંડીની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને કારણે રાજ્ય સરકાર એકશનમાં આવી ગઈ છે.

ગુજરાત રાજ્ય સરકારે રાજ્યની તમામ APMC અને જુનાગઢ, રાજકોટ, દ્વારકા,જામનગર સહિતના જિલ્લાઓમાં જો કોઈ જગ્યાએ અનાજને ખુલ્લામાં મૂકવામાં આવ્યું હોય અથવા માર્કેટમાં ખુલ્લામાં પડેલું અનાજ હોય તો તેને યોગ્ય જગ્યાએ મૂકવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

જો કમોસમી વરસાદ આવે તો તૈયાર થયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થઇ શકે છે એટલા માટે આ પ્રકારના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.