કારતકમાં જામશે અષાઢી માહોલ : ગાજવીજ અને વાવાઝોડાં સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી

ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા માઠા સમાચાર સામે આવી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી ચાર-પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે.

અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલ સાયક્લોનિક સરક્યુલેશનના પગલે આગામી 30 નવેમ્બર અને 1 થી 4 ડિસેમ્બરે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દીવ, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર અને દાહોદમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે તેની અસરને કારણે 30 મીની રાતે ગુજરાતમાં ગાજવીજ અને સુસવાટા મારતા પવનો સાથે ફરી એક વખત કમોસમી માવઠું વરસશે.

30 નવેમ્બર મંગળવારના રોજ વીજળી અને ગાજવીજ સાથે હળવાથી મધ્ય વાવાઝોડું ફૂંકાશે.

પવનની ઝડપ 40 થી લઇને 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.

1 ડિસેમ્બરે દાદરા નગર હવેલી, દમણ, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, છોટાઉદેપુર, સુરત, દાહોદ, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી લઈને હળવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

2 ડિસેમ્બરે દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ સહિત અનેક વિસ્તારોમાં 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ભારે કમોસમી વરસાદ પડશે.

આ ઉપરાંત 3 અને 4 ડિસેમ્બરે પણ કમોસમી વરસાદનો કહેર જારી રહેશે.

3 ડિસેમ્બરે આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત 4 ડિસેમ્બરે પણ સાબરકાંઠા, બનાસકાંઠા, મહીસાગર, તાપીમાં ભારેથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ કમોસમી વરસાદની આગાહીના કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.