જવાદ વાવાઝોડાનો ખતરો : ગુજરાત માથે ત્રણ દિવસ ભારે, હવામાન વિભાગની આગાહી

મિત્રો આપણે જાણીએ છીએ કે હાલ ચોમાસાની વિદાય ચાલી રહી છે પરંતુ હવામાં રહેલ ભેજને કારણે ગુજરાતમાં કોઈ કોઈ જગ્યા પર હળવાથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને આ સમયે વરસાદ પડવાને કારણે ખેડૂતોના ઉભા પાકને ખૂબ જ નુકસાન થયું છે જેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

હાલમાં જોવા જઈએ તો બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે દિવસે પ્રખર ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી. છેલ્લા ઘણા દિવસથી ઉનાળાની શરૂઆતમાં હોય એવું 36 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય છે અને લોકો ગરમીથી પરેશાન થાય છે અને વાતાવરણમાં રહેલા ભેજને કારણે મોડી રાત્રે ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થઇ રહ્યો છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે ભાદરવા મહિનામાં આકરો તાપ પડતો હોય છે પરંતુ આ વખતે હાથીયો નક્ષત્ર ભાદરવા મહિનામાં વરસ્યો જેને લઇને આખો ભાદરવો મહિનામાં વરસાદ જેવી સ્થિતિ જોવા મળી હતી.

હવે આસો મહિનામાં ભાદરવા મહિનામાં જે તડકો પડે છે તેવો તડકો પડી રહ્યો છે. ટૂંકમાં ઋતુ ખેંચાઈ ગઈ છે એટલે કે જે ઋતુનો અહેસાસ ભાદરવા મહિનામાં થવાનો હતો તે હવે આસો મહિનામાં થઈ રહ્યો છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે…

તારીખ 11 ના રોજ સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

તારીખ 12 ના રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી છે.

તારીખ 13 ના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તારીખ 14 અને 15 ના રોજ વાતાવરણ સૂકું રહેશે એવી આગાહી આપવામાં આવી છે.

આ સાથે હવામાન વિભાગ દ્વારા એક વાવાઝોડાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જેમાં બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડુ સર્જાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

આપણે જાણીએ છીએ કે અગાઉ સપ્ટેમ્બર મહિનાના અંતમાં બંગાળની ખાડીમાં ગુલાબ નામનું વાવાઝોડું સર્જાયુ હતું, જે ભારતના પૂર્વ કિનારે ટકરાયા બાદ ભારતના મધ્ય ભાગ પરથી પસાર થઈને ગુજરાત પર થઈને અરબ સાગરમાં પહોંચ્યુ હતું જ્યાં ફરીથી ચક્રવાત પ્રબળ બનતા શાહીન  વાવાઝોડાના રુપમાં આગળ વધીને ઓમાનના દરિયાકિનારે ટકરાયું હતું.

બંગાળની ખાડીમાં 13 ઓક્ટોબરની આસપાસ વાવાઝોડુ ઊત્પન્ન થવાની સંભાવના છે અને તે બાદ 48 કલાક દરમિયાન તે આંધ્ર પ્રદેશ તરફ આગળ વધી શકે છે અને જો આ વાવાઝોડું ઉત્પન્ન થશે તો તેનું નામ જવાદ વાવાઝોડું રાખવામાં આવશે જે સાઉદી અરબ દ્વારા સૂચવવામાં આવ્યું છે જેને લઇને અગાઉથી જ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં.

હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.