હાથીયો નક્ષત્ર ગાજવીજ સાથે ભુક્કા બોલાવશે, ગુજરાત માથે હસ્ત નક્ષત્ર ભારે

મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ વરસાદની વાત આવે એટલે નક્ષત્ર તેની સાથે જ હોય છે કેમ કે આપણા ઘરના વડીલો હમેશા વરસાદના નક્ષત્રની વાતો કરતા હોય છે કે આ નક્ષત્ર હોય તો આટલો વરસાદ પડે અને નક્ષત્ર આ વાહન પર બેસીને આવે છે વગેરે વગેરે.

ચોમાસાના નક્ષત્રની વાત કરીએ તો પહેલુ નક્ષત્ર આદ્રા નક્ષત્ર આવે છે જેમાં વરસાદની શરૂઆત થાય છે અને છેલ્લા નક્ષત્રની વાત કરીએ તો આવે છે હાથીયો નક્ષત્ર જેમાં પણ સારો વરસાદ થતો હોય છે. હસ્ત નક્ષત્ર પછી વરસાદના બે નક્ષત્ર આવે છે જેમાં વરસાદ નહિવત માત્રામાં થતો હોય છે જેનું નામ છે ચિત્રા નક્ષત્ર અને સ્વાતિ નક્ષત્ર.

મિત્રો આ વર્ષે હસ્ત એટલે કે હાથિયો નક્ષત્ર 27/9/2021 ને સોમવારના રોજ વહેલી સવારે બેસે છે અને તેનું વાહન છે અશ્વ એટલે કે ઘોડો એનો મતલબ એવો થાય છે કે ભગવાન સૂર્યનારાયણ ઘોડાના વાહન સાથે હસ્ત નક્ષત્રમાં પ્રવેશ કરશે.

આ નક્ષત્રમાં વરસાદની વાત કરીએ તો સાર્વત્રિક સારો વરસાદ થવાની શક્યતા છે અને પવન સાથે વરસાદ થવાની પણ શક્યતા છે અને ખેડૂતો માટે ખાસ કે આ નક્ષત્રમાં ઉભા પાકમાં રોગચાળો આવતો હોય છે જેથી તેને લઈને સાવધાની રાખવી જરૂરી છે.

જો હસ્ત નક્ષત્રમાં ગાજવીજ થાય અને વરસાદ વરશે તો તેને આગળના વર્ષનો કોલ ગણવામાં આવે છે. હસ્ત નક્ષત્ર તારીખ 27 સપ્ટેમ્બર વહેલી સવારે બેસે છે જે 5 ઓક્ટોબર સુધી રહેશે. આ દરમિયાન રાજ્યના મોટાભાગના ભાગોમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં, મધ્ય પ્રદેશના ભાગોમાં, ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે.

મિત્રો હસ્ત નક્ષત્રમાં ગડગડાટ વધુ હોય છે અને કહેવાય છે કે હાથિયો વરશે તો ઘઉંનો પાક સારો થાય છે અને કહેવત પણ છે કે “જો વરશે હાથીયો તો મોતીએ પુરાઈ સાથીયો” અને “હાથીઓ ગાજે તો તીડ ભાગી જાય” આવી બધી કહેવતો લોકપ્રચલિત છે.

મિત્રો આ વર્ષનું ચોમાસું લાંબુ ચાલશે તેવી પણ આગાહી અગાઉ કરવામાં આવેલી હતી અને જે હાથીયો નક્ષત્ર બેસવાનો છે તેમાં આ વર્ષે ખૂબ જ વરસાદ પડશે તેવું જણાઈ રહ્યું છે કેમ કે આ નક્ષત્ર મોટું છે એટલે કે બીજા નક્ષત્રની સાપેક્ષમાં આ નક્ષત્રના દિવસો વધુ છે. હાથીયા નક્ષત્રમાં કુલ 16 દિવસો હોય છે જેને ચાર-ચાર દિવસના ચાર પાયામાં વહેંચવામાં આવે છે એટલે કે દરેક પાયામાં ચાર દિવસ આવે છે અને ખાસ કરીને પ્રથમ બંને પાયામાં હાથિયા નક્ષત્રમાં ખૂબ જ વરસાદ પડે તેવું જોવા મળી રહ્યું છે.

બીજા નક્ષત્ર ની વાત કરીએ તો તે સામાન્ય રીતે 12 દિવસથી લઈને 14 દિવસના હોય છે પરંતુ હાથીયો નક્ષત્ર એવું નક્ષત્ર છે જેની અંદર 16 દિવસ આવે છે એટલે કે બીજા નક્ષત્રની સાપેક્ષે મોટું નક્ષત્ર કહેવાય.

મિત્રો આપણે જાણીએ છીએ કે ઓતરા નક્ષત્રે કાઢી નાખ્યા છે છોતરા એટલે કે ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ આ નક્ષત્રમાં પડ્યો છે જેથી ખાસ કરીને નદી-નાળા અને ડેમો બધું છલોછલ ભરાઈ ગયું છે અને પાણીના તળ પણ ઊંચા આવી ગયા છે. હવે હાથીયો નક્ષત્ર જો સારો વરશે તો તે પાણીના તળો ખૂબ જ વધારે મજબૂત કરશે.

ખાસ કરીને આ નક્ષત્રમાં ખેડૂતોએ વિશેષ સાવધાની રાખવાની જરૂર છે કેમકે આ નક્ષત્ર વરસતા ઉભા પાકમાં રોગચાળો અને નુકસાની પણ આવતી હોય છે માટે જો આ નક્ષત્રમાં સારો વરસાદ થશે તો હવે પછીની સીઝન એટલે કે શિયાળું પાક માટે ખેડૂતોને પાણીની તંગી નહીં સર્જાય.

નોંધ : અહી મુકવામાં આવતી વરસાદની આગાહીએ હવામાનના વિવિધ મોડેલ ઉપર એનાલિસિસ કરી અને એક અંગત તારણ રજૂ કરવામાં આવે છે. માટે અહીં આવતી આગાહીને લક્ષમાં રાખીને કોઈ પણ ખાનગી નિર્ણય કરવા નહીં. હવામાન સંબંધિત બધીજ પરિસ્થિતિઓમાં ભારતીય હવામાન વિભાગની સૂચનાઓને અનુસરવું.