કોરોનાની ત્રીજી લહેર આ મહિનામાં આવી શકે છે : ગુજરાત યુનિવર્સિટીએ કર્યો મોટો દાવો

કોરોનાવાયરસની ત્રીજી વેવ એટલે કે લહેરને લઈને મોટા સમાચાર આપણી સામે આવ્યા છે. કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટ મહિનામાં આવશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ વિભાગ દ્વારા કોરોનાવાયરસના વેરિએન્ટ પર રિસર્ચ કર્યા પછી આ પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રિસર્ચ પ્રમાણે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં રહેલો આ કોરોના વાયરસ સ્પેનના સ્ટ્રેનને અનુસરી રહ્યો છે અને સ્પેનમાં જે રીતે વાયરસ ફેલાયો તેવી જ રીતે અહીં વાઇરસ ફેલાયો હોવાનો પણ દાવો કર્યો છે.

દરેક લહેર વચ્ચે ચોક્કસ અંતર:

ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ વિભાગ દ્વારા જે સંશોધન કરવામાં આવ્યું છે તે પ્રમાણે વાયરસની તમામ લહેર વચ્ચે એક અંતર જોવા મળ્યું છે. સ્પેનમાં પહેલી અને બીજી લહેર વચ્ચે 75 દિવસનો એટલે કે અઢી મહિનાનો સમય તો ભારતની અંદર પહેલી અને બીજી વચ્ચે ફક્ત 45 દિવસ એટલે કે દોઢ મહિનાનો સમય હતો. સ્પેનમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે સાડા ત્રણ મહિનાનો સમય રહ્યો હતો જેના આધારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભારતમાં બીજી અને ત્રીજી લહેર વચ્ચે બે મહિનાનો સમય લાગી શકે છે અને આ રિપોર્ટ ગુજરાત યુનિવર્સિટીએ ભારત સરકારને મોકલ્યો છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા કોરોનાની સ્થિતિને લઈને પણ મોટું નિવેદન આપવામાં આવ્યું હતું કે દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ શક્યતાને જોતા ગુજરાત સરકાર આ ત્રીજી લહેર સામે લડવા માટે પૂરતી સારવારનું આયોજન કરી રહી છે. એવું કહેવામાં આવે છે કે આ ત્રીજી લહેર નાના બાળકોને વધારે સંક્રમિત કરશે તેને ધ્યાનમાં રાખીને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.